મેલેરિયા
મેલેરીઆના નામથી મચ્છર પણ ફફડી જાય છે,
મેલેરીઆનો દર્દી આખેઆખો સસડી જાય છે.
ભુખ મરી ગઈ ભીતરની ને જાગી અગનની જ્વાળા,
માથું જાણે ઘણનો ઘા ને આંખો જાણે તાળાં.
અચ્છે અચ્છા નરબંકાઓ એમાં કથળી જાય છે.
આવ્યો આવ્યો આવ્યો ટાઢિયો મરી ભીતર આવ્યો,
મોટો મુકામ સમજીને એણે તો અડ્ડો જમાવ્યો.
મને જોઈને જોનારાના અંતર કકળી જાય છે.
હજી હમણાં તો સાજીસમીબેઠી’તી વાતો કરતી,
ટાઢની ગોળી છૂટી અચાનક ધાય ધાય કરતી.
ગોદ્ડાય તાવના નામે જાણે થથરી જાય છે.
દવાખાનેથી દલ્લો આવ્યો સોનેરી રૂપેરી ,
સોનેરી-રૂપેરી પણ થઇ ગઈ મારી વેરી.
એને ગળતાગળતા ઉરના કમાડ ખખડી જાય છે.
ઉઠું તો અડબડીયા આવે,સુવું તો આવે ચક્કર,
તને કયા નામથી કઈ રીતે હું બિરદાવું રે મચ્છર .
તારા દર્શન માત્રથી જ મારા હાંજા ગગડી જાય છે.
Share this: